યુથ નેશન દ્વારા પહેલી વખત આ પ્રકારનું આયોજન કરી યુવાઓને ડ્રગ્સના વ્યસનથી દૂર રહેવા જાગૃત કરવાનો પ્રયાસ કરાયો
સુરત. સમાજમાંથી ડ્રગ્સના દૂષણને નાથવા અને યુવા ધનને બરબાદ થતા બચાવવા માટે છેલ્લા દસ વર્ષથી કાર્યરત યુથ નેશન સંસ્થા દ્વારા આજરોજ પહેલી વખત જ ડ્રગ્સનાં બંધાણી બની ગયેલા અને હવે આ વ્યસનમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહેલા યુવાનોને સમાજ સમક્ષ લાવીને લોકોને અને ખાસ કરીને યુવાધનને જાગૃત કરવાનો પ્રયાસ વર્લ્ડ ડ્રગ ડે પર કરવામાં આવ્યો હતો.
યુથ નેશનના ફાઉન્ડર વિકાસ દોશી દ્વારા આજરોજ વર્લ્ડ ડ્રગ ડે ના દિવસે VR સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓ દ્વારા કેટલાક એવા યુવકોને મીડિયા સમક્ષ લાવવામાં આવ્યા હતા કે જેઓ એક સમય ડ્રગ્સ ના બંધાણી હતા અને હવે તે આ ચંગુલ માંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ યુવાનો દ્વારા તેઓ કેવી રીતે ડ્રગ્સના વ્યસનના રવાડે ચડ્યા અને ત્યારપછી તેમના જીવનમાં શું શું ઘટનાઓ થઈ તેનો ભયાનક ચિતાર રજૂ કર્યો હતો. યુવાનોએ જણાવ્યું હતું જે ડ્રગ્સના વ્યસનના કારણે તેઓ કેવી રીતે બરબાદીના માર્ગે આગળ વધ્યા અને હવે તેઓ કેવી રીતે પાછા વળ્યા છે તે આખી સફર મીડિયા સમક્ષ જણાવી હતી. તેઓના માતા પિતા અને મિત્રોએ કેવી રીતે સાથ આપ્યો અને ડ્રગ્સનાં વ્યસનથી બહાર નીકળવા માટે મદદ કરી એ પણ જણાવ્યું હતું.
આ પ્રકારના આયોજન અંગે વિકાસ દોશીએ જણાવ્યું હતું કે દેશમાં પહેલી વાર આ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી કે જાતે ડ્રગ્સ એડિકટ યુવાનોએ સમાજ સામે આવીને યુવાનોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હોય. વધુમાં જણાવ્યું હતું કે પ્રેસ કોન્ફરન્સ માટે ઓપન પ્લેસ અને તે પણ VR સુરત એટલા માટે જ પસંદ કર્યો કે અહીં સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે તેઓ પણ ડ્રગ્સ નું વ્યસન કેવી રીતે વ્યક્તિને બરબાદ કરે છે તે જાણી શકે અને ડ્રગ્સ પ્રત્યે જાગૃત થયા. આ સાથે જ લોકોમાં મનોરંજન માટે ગિટાર વાદક અને ગાયક પણ ઉપસ્થિતિ રહ્યા હતા.
વિકાસ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે તેમના મિત્રો પણ ડ્રગ્સ ના બંધાણી બની ગયા હતા અને તેમને પાછા વળતાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેમાંથી યુથ નેશન અસ્તિત્વમાં આવ્યું અને છેલ્લા દસ વર્ષથી યુથ નેશન સંસ્થા લોકોને અને ખાસ કરીને યુવાઓને ડ્રગ્સ ના નશાથી દૂર રહેવા માટે જાગૃત કરી રહી છે. સંસ્થા દ્વારા રેલી, કાર્નિવલ સહિત અનેક જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે. આ ઉપરાંત સ્કૂલ, કોલેજો કે જ્યાં પણ મોટી સંખ્યામાં યુવાનો ભેગા થતા હોય ત્યાં જઈને ડ્રગ્સ અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે