Breaking News

SGCCI દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી અગાઉ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી ‘ભારત ગાથા : સંગીતમય સંધ્યા’કાર્યક્રમ યોજાયો

આખા ઓડિટોરિયમમાં રાષ્ટ્ર ધ્વજ સાથે પ્રેક્ષકો દેશભકિતના રંગે રંગાઇ ગયા હતા

દેશની આઝાદીની ચળવળના લડવૈયાઓ વીર સાવરકર, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, સુભાષચંદ્ર બોઝ, મગનલાલ ઢીંગરા, ડો. કેશવરાવ હેડગેવાર, દુર્ગા ભાભી, મેડમ ભીકાજી કામા, સરદાર ઉધમ સિંહ, માતંગિની હાજરા, હરીકૃષ્ણગિરી ગોસ્વામી, રાણીમા ગાઇડિન્લ્યુ, બિરસા મુંડા વગેરે સ્વાતંત્ર્ય વીર અને વીરાંગનાઓને યાદ કરી તેઓના જીવનના પ્રસંગોની માહિતી અપાઇ

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એડ ઈન્ડસ્ટ્રી દ્વારા મંગળવારે, તા. ૧૩ ઓગષ્ટ ર૦ર૪ના રોજ રાત્રે ૦૮:૩૦ કલાકે સંજીવકુમાર ઓડિટોરિયમ, પાલ, સુરત ખાતે ‘ભારત ગાથા : સંગીતમય સંધ્યા’કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતના પૂર્વ કેન્દ્રિય ટેક્ષ્ટાઈલ અને રેલ્વે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, સુરતના મેયર શ્રી દક્ષેશ માવાણી, ડેપ્યુટી મેયર ડો. નરેન્દ્ર પાટીલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજન પટેલ, દંડક શ્રી ધર્મેશ વાણિયાવાલા અને પોલિસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગહલોત ઉપસ્થિત રહ્યા હતા અને દેશની આઝાદી હેતુ બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી યોજાયેલા કાર્યક્રમને માણ્યો હતો.

SGCCIના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ૧પમી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ ભારત ગુલામીના અંધકારમાંથી બહાર આવ્યું હતું અને નવા યુગમાં પગલાં ભર્યાં હતા. તેની સાથે સ્વશાસન, એકતા, અને પ્રગતિની શરૂઆત થઈ હતી. સ્વાતંત્ર્ય દિવસ આપણને યાદ અપાવે છે કે આઝાદીના સ્તંભો – સ્વાતંત્ર્ય, ન્યાય, સમાનતા અને ભાઈચારા, આ માત્ર શબ્દો નથી, પરંતુ આપણા દેશના મૂળભૂત સિદ્ધાંતો છે. આ તે મૂલ્યો છે, જે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ અને અન્યો મહાન નેતાઓએ ભારત માટે જોયા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘સ્વાતંત્ર્ય બાદના વર્ષોમાં, ભારતે અસાધારણ પ્રગતિ કરી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કરેલા વિકાસથી લઈને શિક્ષણ, આરોગ્ય, અને માળખાકીય સુવિધાઓમાં થયેલી પ્રગતિ સુધી, ભારતે દુનિયાને બતાવ્યું છે કે આપણે બધું જ કરવા સક્ષમ છીએ.’ તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ર૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે લીધેલા સંકલ્પને પૂર્ણ કરવા માટે ઉદ્યોગકારો અને યુવાઓથી લઇને સર્વેને સાથે મળીને પ્રયાસ કરવા હાંકલ કરી હતી.

ગુજરાતી નાટયકાર શ્રી કપિલદેવ શુક્લએ દેશની આઝાદીની ચળવળના લડવૈયાઓ સ્વાતંત્ર્યવીર સાવરકર, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, સુભાષચંદ્ર બોઝ, મગનલાલ ઢીંગરા, ડો. કેશવરાવ હેડગેવાર, દુર્ગા ભાભી, મેડમ ભીકાજી કામા, સરદાર ઉધમ સિંહ, માતંગિની હાજરા, હરીકૃષ્ણગિરી ગોસ્વામી, રાણીમા ગાઇડિન્લ્ય, બિરસા મુંડા વગેરે સ્વાતંત્ર્ય વીર અને વીરાંગનાઓને યાદ કરી તેઓના જીવનના પ્રસંગોની માહિતી આપી હતી.

ભારતની વિવિધ સંસ્કૃતિની ઝાંખી આપતું ગીત ‘હૈ પ્રીત જહાં કી રીત’, પરિવાર, શહેરથી દૂર પોતાની માં ભોમની સુરક્ષા કાજે પોતાના જીવનનું બલિદાન આપતાં સૈનિકોની ભાવનાને વ્યક્ત કરતું ‘સંદેશે આતે હૈ’ગીત અને ‘એ વતન વતન મેરે આઝાદ રહે તુ’, ‘તુઝકો ચલના હોગા’, ‘જય હો’, ‘મેરે દેશ કી ધરતી’, ‘ભારત હમકો જાન સે પ્યારા હૈ’, ‘યે દેશ હૈ વીર જવાનો કા’જેવા દેશભક્તી ગીતો ગાઈને કવી શ્રી અમન લેખડિયા, સુશ્રી કેતુલ પટેલ અને શ્રી સત્યેન જગીવાલાએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુક્લ, શ્રી ચેતન શાહ સહિતના પૂર્વ પ્રમુખો, ગૃપ ચેરમેનો અને કલા રસિકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *